• નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સંકલિત કૃષિ ખેતી પદ્ધતિ અપનાવવાથી થતાં ફાયદાઓ અને તેનું યોગ્ય વ્યવસ્થાપન કેવી રીતે કરવું જેથી આપણને વધુ નફો મળી રહે તેના વીશે વિસ્તૃતમાં માહીતી મેળવીશું. 

Integrated farming system


સંકલિત કૃષિ ખેતી પદ્ધતિ અપનાવવાનાં અનોખા ફાયદાને ઓળખો


સંકલિત કૃષિ અપનાવવાથી થતા ફાયદા નીચે મુજબ છે. 


૧. ઉત્પાકતામાં વધારો:- 

પાક ઉત્પાદન સાથે પશુપાલન, મરધાપાલન વગેરે અપનાવવાથી તેમાંથી મળતા સેન્દ્રીય ખાતરનો વપરાશ થવાથી એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વધુ ખાધ ઉત્પાદન દ્વારા દેશની વધતી જતી વસ્તીની માંગ સંતોષી શકાય. 

૨. નફામાં વધારો :- 

એક ઘટકની આડ પેદાશનો બીજા ઘટકમાં ઉપયોગ થવાથી ઉત્પાદન ખર્ચ ઘટાડી નફામાં વધારો કરી તેમજ પાક અવશેષોનો અસરકારક પુન: ઉપયોગ કરી પાક ઉત્પાદન વધારવાની સાથે લાંબા ગાળા સુધી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા જાળવી શકાય છે. 

૩. લાંબા ગાળા સુધી પાક ઉત્પાદન જાળવી શકાય
છે :-

પશુપાલન, મરધા - બતકાપાલનમાંથી મળતા સેન્દ્રીય પદાર્થો તેમજ પાક અવશેષોનો અસરકારક પુન : ઉપયોગ કરી પાક ઉત્પાદન વધારવાની સાથે લાંબા ગાળા સુધી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા જાળવી શકાય છે. 

૪. સમતોલ આહાર :- 

સંકલિત કૃષિ પદ્ધતિમાં જુદા જુદા એકમોનો સમન્વય કરાતો હોવાથી જુદા જુદા ઘટકોમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રટસ, ચરબી, મીનરલ્સ, વિટામીન વગેરેથી સમૃદ્ધ પોષણયુક્ત સમતોલ આહાર મળી રહે છે. 

૫. પર્યાવરણ બગડતું અટકાવી શકાય છે. :- 

એક ઘટકમાંથી નિકળતી આડ પેદાશનો બીજા ઘટક માટે પુન: ઉપયોગ થવાથી પર્યાવરણ બગડતું અટકાવી શકાય છે. છાણીયા ખાતરના વપરાશથી રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થવાથી મીથેન વાયુનું હવામાં ઉત્સર્જન થતું અટકે. સેન્દ્રીય પદાર્થો અને પાક અવશેષોનો ઉપયોગ થવાથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઓછું કરી શકાય, આમ વૈશ્વિક ઉષ્મીકરણ અટકાવી શકાય. 

૬. આડ પેદાશનો પુન:ઉપયોગ :- 

એકબીજા ઘટકની આડ/ ગૌણ પેદાશનો અસરકારક પુન: ઉપયોગ કરી શકાય છે. 

૭. સમગ્ર વર્ષ દરમ્યાન આવક :- 

ખેત પેદાશ, ફળ-શાકભાજી, દૂધ, ઈંડા, માંસ, માછલી, મશરૂમ, મધ વગેરેના વેચાણ દ્વારા જુદા જુદા ઘટકોમાંથી આખું વર્ષ આવકનો પ્રવાહ સતત ચાલુ રહે છે. ઉપરાંત ગ્રીનહાઉસ
ટેકનોલોજી દ્વારા જે તે પાકની ઋતુ સિવાય તેમજ વિપરીત હવામાન પરિસ્થિતિમાં પણ ઉત્પાદન મેળવી શકાય છે.