• નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બાયોગેસ પ્લાન્ટ નું ઉત્પાદન અને વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેના વિશે માહીતિ મેળવીશું.



  • ભારતની મોટાભાગની વસ્તીગામડામાં રહે છે અને પશુધન પણ ગ્રામીણ ક્ષેત્રમાં વસે છે. ગ્રામીણ ક્ષેત્રમાં વપરાતી ઉર્જા મોટેભાગે ધર વપરાશ, ખેતી અને વાહન વ્યવહારના કર્યો માટે હોય છે. ગામડાંની ઉર્જાની જરીયાત સ્થાનીક રીતે મળતા કાચા માલ જેવા કે લાકડું, છાણા, પશુ શક્તિ અને માનવ શક્તિ દ્વારાપૂરી થાય છે. બહારની ઉર્જા- જેવી કે ડીઝલ અને વીજળી પણ અમુક પ્રમાણમાં ગામડામાં વપરાય છે આગળ પડતા ગામડાંમાં ક્યાંક બાયોગેસ નો ઉપયોગ પણ શરૂ થયેલ છે. 
  • હાલ દેશમાં કુલ અંદાજીત ૪૦ કરોડપશુધન ગ્રામીણ ક્ષેત્રમાં વસે છે તેના છાણ તથા અન્ય ખેત કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરીને આ ત્રણેય પ્રકારની ઉર્જાનો ઉપયોગ સરળ બની શકે તેમ છે. હાલની પ્રવર્તમાન નવી ટેકનોલોજીના વિકાસને કારણે એક અંદાજ મુજબ ગ્રામીણ ક્ષેત્રના ઉર્જાની મોટાભાગની જરૂરીયાત (૯૦ ટકા) નવી નવીવિકસાવેલી ટેકનોલોજી તેમજ બાયોગેસ પ્લાન્ટ દ્વારા પૂરી પાડી શકાય તેમ છે. 
  • વિશાળ ગ્રામીણક્ષેત્રમાં ખેત પેદાશ તથા પશુ ધનમાંથી સેન્દ્રીય તત્વો મળી રહે છે. ગ્રામીણક્ષેત્રમાં પશુનું છાણ અને મૂત્ર તથા ખેતીનો કચરો મળી રહે છે. જો કે આ બધાકચરા માટે આપણે બેપરવા છીએ. બાયોગેસ એટલે શું? સેન્દ્રિય કચરાને અવાત પરિસ્થિતિમાં કહોવડાવવાથી સળગી શકે તેવા મિશ્ર વાયુ પેદા થાય છે તેને બાયોગેસ કહે છે. પ્રાણીઓનાં મળમુત્ર એકઠાં કરી પ્રાણવાયુની ગેરહાજરી અને જીવાણુઓની હાજરીમાં તેમાં આથો આણવાની પ્રક્રિયા હાથ ધરાય ત્યારે બાયોગેસ ઉત્પન્ન થાય છે. જેને “બાયોમીથેનેશન” કહે છે. આ પ્રકારની પ્રક્રિયાને અવાત પાચન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બાયોગેસ માં ૫૦ થી ૭૦ ટકા મિથેન (CH4) અને ૩૦ થી ૪૫ ટકા નિષ્ક્રીય કાર્બનડાયોકસાઈડ (CO2) અને બાકીના અલ્પ પ્રમાણમાં હાડ્રોજન સલ્ફાઈડ (H2S) અને હાડ્રોજન (H2) જેવા વાયુઓ હોય છે. તેની કેલોરીફિક વેલ્યુ (ગરમી આપવાની શક્તિ) ૪૭૦૦ કિ.કેલરી/ ધનમીટર છે. આ યોજનાથી રાંધવા માટે સસ્તું, સુલભ, સરળ અને કાર્યદક્ષ બળતણ તો મળે જ છે. પશુઓનું છાણ બાયોગેસના ઉત્પાદન માટે આદર્શ કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે માનવ મળમૂત્ર, ડુક્કરનું છાણ અને મરધા ઉછેર કેન્દ્રમાંથી મળતા ચરક ઈત્યાદીક પુરક વસ્તુઓ તરીકે ઉપયોગમાં લેવાય છે. સેન્દ્રિય કચરો, જળકુંભી, મકાઈના સાંઠા, કેળના પાન, ખેત કચરો ને પાણીમાં થતી લીલ તથા શેવાળ વગેરે પણ બાયોગેસ ઉત્પાદનના કાચા માલ તરીકે ઉપયોગી છે. પશુઓનું છાણ, જળકુંભી અને લીલનું સપ્રમાણ મિશ્રણ ૭૦ % જેટલો મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. એક એકર જળકુંભી પ્રતિદિન ૧૧૦૦ ધનફૂટ અથવા ૩૦ ધનમીટર જેટલો ગેસ ઉત્પન્ન કરે છે. જે એક સાફ અને સસ્તો બળતણ ગેસ છે. આમાં છાણના ખાતર તરીકેના ગુણો સહેજ પણ ઓછા થતાં નથી, બલ્કે વધે છે. આમ છાણ અને ખાતર બન્ને હેતુ પાર પડે છે. સૌચાલય સાથે આ પ્લાન્ટ જોડવામાં આવે તો ગામડા વધુ ચોખ્ખા રહી શકે છે.