- નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જીવામૃત કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના શું ફાયદાઓ છે તેના વિશે જાણીશું.
- જીવામૃત બનાવવા માટે જરૂરી સાધન સામગ્રી
- ૨૦૦ લીટર પાણી
- ૧૦ કિલો દેશી ગાય નું તાજુ છાણ
- ૧૦ લીટર દેશી ગાયનું ગૌમુત્ર
- ૧ મુઠ્ઠી ઝાડની નીચેની અથવા શેઢા-પાળાની માટી
- ૧ કિલો દેશી ગોળ
- ૧ કિલો ચણાનો લોટ
- જીવામૃત તૈયાર કરવાની રીત
સૌપ્રથમ ૧૦ કિલો દેશી ગાયનું તાજું છાણ, ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૧ કિલો દેશી ગોળ, ૧ મુઠ્ઠી ઝાડની નીચેની માટી અને ૧ કિલો ચણાના લોટને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી મિશ્રણ તૈયાર કરવું. ત્યારબાદ ડ્રમને કંતાનની થેલી વડે ઢાંકી છાયાવાળી જગ્યાએ રાખવુ.
ઘડીયાળના કાંટાની દીશામાં દરરોજ સવાર-સાંજ ૨ વખત ૫-૫ મિનિટ સુધી લાકડીની મદદથી હલાવવું.
ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં જીવામૃત તૈયાર થઈ જશે.
- જીવામૃત વાપરવાની રીત
જીવામૃત આપતી વખતે જમીનમાં ભેજ હોવો ખુબ જ જરૂરી છે.
એક એકર માટે ૨૦૦ લીટર જીવામૃતને ગાળીને પિયત ના પાણી સાથે અથવા ડ્રિપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર છંટકાવ કરવું.
ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ લેવું જોઈએ અને શિયાળામાં ૮ થી ૧૫ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય.
- જીવામૃત વાપરવાના ફાયદા
જીવામૃત જયારે પિયત સાથે ખેતરમાં આપવામાં આવે ત્યારે જમીનમાં જીવાણુંઓની સંખ્યા અવિશ્વનીય રીતે વધે છે અને જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે.
જીવમૃતથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા, અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.
ડિસેમ્બર મહિનામાં તૈયાર કરવામાં આવેલ જીવામૃત ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન કરેલ જેમાં જીવામૃત તૈયાર કર્યાના ૧૪ દિવસ પછી વધુમાં વધુ ૭૪૦૦ કરોડ જીવાણુઓ જોવા મળ્યા હતા. તે પછી તેની સંખ્યા ઘટવી શરૂ થઈ ગઈ.
ગોળ અને ચણાનો લોટ બંનેએ જીવાણુંઓની સંખ્યા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
છાણ, ગૌમૂત્ર અને માટીને ભેળવવાથી જીવાણુંઓની સંખ્યા ફક્ત ત્રણ લાખ જોવા મળેલ.
જયારે તેમાં ચણાનો લોટ ભેળવ્યો તો તેની સંખ્યા વધીને ૨૫ કરોડ થઈ ગઈ અને જયારે આ ત્રણમાં ચણાના લોટની જગ્યાએ ગોળ ભેળવવામાં આવ્યો ત્યારે આ સંખ્યા ૨૨૦ કરોડ થઈ ગઈ, પણ જયારે ગોળ અને ચણાનો લોટ બંને ભેળવવામાં આવ્યા અર્થાત જીવામૃતના બધા ઘટકો (છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને માટી) ભેળવવામાં આવ્યા ત્યારે આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું અને જીવાણુંઓની સંખ્યા વધીને ૭૪૦૦ કરોડ થઈ ગઈ.
0 ટિપ્પણીઓ
Please do not enter any spam link in the comment box.